In English

બાલ ઊર્જા રક્ષક દળઃ વર્ષ ર૦૧૦-૧૧

ર૦૧૦-૧૧ના વર્ષ માટે બર્ડ કાર્યક્રમનું મુખ્‍ય વિષયવસ્‍તુ ۢતમારી શાળાને હરિત ઊર્જિત કેવીરીતે બનાવશો?’ એ રાખેલ છે.

કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાની શાળામાં ઊર્જા ક્યાં અને કેવી રીતે વપરાય છે ને વેડફાય છે તેનો અભ્‍યાસ કરશે. ઉપરાંત મકાનના બાંધકામમાં વપરાયેલ ઊર્જા, જળ, જમીન/ જીવવૈવિધ્ય, પરિવહન અને કચરાના વિષય પર કામ કરશે. આ વર્ષથી શરૂ કરીને ત્રણ વર્ષ સુધી કરેલ કામગીરીથી નવી શાળાના બાંધકામ માટેની બ્‍લુ પ્રિન્‍ટ તૈયાર થશે અને જૂની શાળામાં સક્રિય અને નિષ્‍ક્રિય સૌર યંત્રો વસાવવા જેવી નવીકરણ કામગીરી હાથ ધરવામાં માર્ગદર્શન મળી રહેશે.

હરિત-ઊર્જિત શાળાનો કાર્યક્રમ શાળાના બાળકો અને શાળાના શિક્ષકો ઉભય માટે એક સંકલિત શિક્ષણ પ્રક્રિયા બની રહેશે. બાંધકામમાં ઊર્જાબચતનાં વિવિધ પાસાં અને તેની માનવ પ્રવૃત્તિ પર અસર અંગે તેઓને પોતાની જ શાળાના મકાનના અભ્‍યાસથી જાણકારી મળશે. કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવાની પ્રવૃત્તિથી સંપદાનો ઉપયોગ કેવી રીતે કરવો અને ઊર્જાવ્‍યય કેવી રીતે ઘટાડવો તે માટે માર્ગદર્શન મળશે.

બર્ડ કાર્યક્રમમાં જોડાઇ હોય તે માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓ પાણી, પરિવહન, પર્યાવરણ, ઊર્જા અને કચરો એ પાંચ તત્વો  યા ઘટકોની મોજણીની કામગીરી કરશે.

સહુ કોઇ વર્તનમાં પરિવર્તન લાવી ઊર્જાકાર્યદક્ષતાથી પ્રતિ હરપળ સભાન બની રહે તે રીતે આ કાર્યક્રમ ડિઝાઇન કરાયો છે.

કાર્યક્મનું કેન્દ્રછબિંદુ

હરિત શાળા એટલે એવી શાળા જ્યાં ઊર્જા કાર્યદક્ષપણે વપરાતી હોય, પર્યાવરણ પ્રતિ જે સભાન હોય અને ત્‍યાં રહેનારાઓ માટે આરોગ્‍યપ્રદ વાતાવરણ હોય 

બાલ ઊર્જા રક્ષક વિદ્યાર્થીઓ પોતાની શાળાને હરિત-ઊર્જિત બનાવવા કઇ રીતે ચિરસ્‍થાયી ઊર્જા ટેકનોલૉજી અપનાવવી તે મુકરર કરશે. શાળાના રપ ઊર્જા રક્ષકો પાંચ-પાંચની પાંચ ટુકડીમાં વિભાજિત થઇ કાર્યક્રમ હેઠળ કરવાની પંચવિધ પ્રવૃત્તિઓ હાથ ધરશે. એક ઊર્જારક્ષકની જૂથના નેતા તરીકે પસંદગી કરાશે અને તે આ તમામ પાંચ પ્રવૃત્તિઓ પર દેખરેખ-નિયમન કરશે.

આ વર્ષે ડીજીટલ સાક્ષરતા વધારવાના મૂળ આશયથી તેમજ માહિતી, સંચાર અને તાલીમ મોડ્યુલને વધુ સંગીન બનાવવા બર્ડ શાળાઓની ઓનલાઇન નોંધણી કરાઇ છે. રાજ્યના ઓનલાઇન કનેક્ટીવીટી નેટવર્ક GUJSAT મારફત ઊર્જાઆગેવાન શિક્ષકો માટે ઓનલાઇન તાલીમ યોજવામાં આવી છે. બાળકોએ કરેલ કામને પણ બર્ડ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ છે. આ વર્ષે ઊર્જારક્ષકો જે ઓડિટ પ્રવૃત્તિ હાથ ધરશે તેની માહિતી પણ ઓનલાઇન ઓડિટ ડેટાશીટમાં ભરવાની છે. આ માહિતીથી ભવિષ્‍ય માટે જરૂરી માહિતી એકત્રિત થઇ શકશે.

પારસ્પરિક બેઠકઃઆ વર્ષે શાળાના સીધા સંપર્કના હેતુથી પારસ્પરિક બેઠક- ઊર્જા ગોષ્ઠીનું આયોજન કરાયું છે, બર્ડ કાર્યક્રમ હેઠળ નોંધાયેલ શાળાઓ પૈકી ૫-૬ શાળાના જૂથ વચ્ચે બર્ડ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે કરવાની પ્રવૃત્તિઓને આવરી લેતું શેરીનાટક ભજવવામાં આવ્યું છે, રાજયભરમાં કુલ મળીને ૩૭૫ જેટલા શેરીનાટકના શો યોજાશે,

બાલ ઊર્જા રક્ષકદળઃ૨૦૦૪-૦૫ ના વર્ષથી શરૂ થયેલ આ ઊર્જાબચત ઝુંબેશ હેઠળ દર વર્ષે ૫૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઊર્જા રક્ષકની ભૂમિકામાં ગુજરાતને ઊર્જાશાણું બનાવવા ક્રિયાશીલ છે.

બાલ ઊર્જા રક્ષક દળ, વર્ષ ૨૦૧૦-૧૧ અમલ માટેની કાર્યપદ્ધતિ

હરિત –ઊર્જિત શાળા એ આ વર્ષનો મુખ્ય વિષય છે. ઊર્જા કાર્યદક્ષ, પર્યાવરણ પ્રતિ સભાન અને આરોગ્યમય વાતાવરણ ધરાવતી  શાળા એટલે  હરિત –ઊર્જિત શાળા.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૯ લોક વિજ્ઞાન કેન્દ્રો/સ્વૈચ્છિક  સેવા સંસ્થાઓ મારફત જેડા રાજયભરમાં બાલ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમનો અમલ કરી રહી છે.

  • આ સંસ્થાઓને છ માસિક બેઠકો દરમિયાન અને તાલીમ કાર્યક્રમ મારફત કાર્યક્રમના અમલ માટે પાયાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
  • આ સંસ્થાઓ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતી શાળાઓના નામની નોંધણી કરે છે.
  • આ માટે ખાસ શાળા નોંધણી ફોર્મ તૈયાર કરાયું છે. તેની સોફટ નકલ આપના સંદર્ભ અર્થે આ સાથે બીડેલ છે.
  • આ વર્ષે આ એજન્સીઓએ બર્ડની વેબસાઈટ www.burd.org.in મારફત શાળાના નામોની ઓનલાઈન નોંધણી કરાવવાની છે.
  •  આ માટે પૂર્વશાળા નોંધણીનું ફોર્મ ખાસ ડિઝાઈન કરીને બર્ડ વેબસાઈટ પર મૂકવામાં આવ્યું છે.
  • આ ભરાયેલ પૂર્વશાળા નોધણી ફોર્મના આધારે લોકવિજ્ઞાન કેન્દ્રો સ્વૈચ્છિક સેવા સંસ્થાઓને શાળાના લક્ષ્યાંકની ફાળવણી કરાઈ છે.
  • બર્ડ કાર્યક્રમ હેઠળ નોંધાયેલ શાળાઓની માહિતી વેબપેજ મારફત તૈયાર કરાઈ છે (આપના સંદર્ભ અર્થે કોઈએક જિલ્લાનું ડેશબોર્ડ અને ડેટાશીટ આ સાથે બીડેલ છે)
  • વેબપેજ મારફત આશરે ૩૦ અહેવાલ તૈયાર કરાયા છે.
  • કામગીરી માટેની માર્ગદર્શક સૂચના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના રૂપમાં અપલોડ કરવામાં   આવી છે. કાર્યક્રમ અંગેની વધુ માહિતી માટેનું સાહિત્ય તૈયાર કરાઈ રહ્યું છે.
  • આ વર્ષે ૩૬૦૦ ઊર્જા આગેવાન શિક્ષકો માટે રાજયના GUJSAT કનેકટીવીટી નેટવર્ક BISAG Node – ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીયો –ઈન્ફરમેટીકસ–મારફત INSAL 4CR  સેટેલાઈટથી તાલીમ યોજવામાં આવી હતી.
  • રાજયની બર્ડ હેઠળ નોંધાયેલ તમામ શાળાઓ માટે પ-૬ શાળાના જૂથમાં કુલ મળીને ૩૭૫ જેટલી પારસ્પરિક બેઠક –ઊર્જા ગોષ્ઠી યોજવામાં આવી. જેમાં બર્ડના આ વર્ષના કાર્યક્રમ અંગે શેરીનાટકરૂપે માહિતી અને માર્ગદર્શન પૂરું પડાયું.
  • ડિસેમ્બરમાં ઊર્જા સંરક્ષણ સપ્તાહ દરમિયાન રાજયભરમાં કુલ મળીને ૧૪૪ જેટલી ઊર્જાસંરક્ષણ રેલી યોજાશે. જિલ્લા મુખ્‍ય મથકે ૧ રેલી અને પ રેલી મુખ્ય મુખ્ય તાલુકા સ્થળોએ, આશરે ૪૦,૦૦૦ જેટલા ઊર્જાસંરક્ષક વિદ્યાર્થીઓ પ્લેકાર્ડ હાથમાં પકડી ઊર્જાસંરક્ષણનો સંદેશ ફેલાવશે. આ સાથે ૨૦૦૯-૧૦ ના વર્ષ દરમિયાન ૩૦,૦૦૦ જેટલા ઊર્જારક્ષકોએ ઊર્જારેલીમાં ભાગ લીધો હતો. તેના ફોટોગ્રાફસ બીડેલ છે.
  • શાળા કક્ષાએ હાથ ધરવાની પ્રવૃત્તિમાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લેશે, વિદ્યાર્થીઓ પોતાની શાળામાં થતા વીજળી તથા પાણીના વપરાશનો, મકાનના બાંધકામમાં વપરાયેલ ઊર્જાનો,પરિવહનમાં વપરાતી ઊર્જાનો તથા જમીન અને જીવવૈવિધ્યનો અભ્યાસ કરશે.
  • આ તમામ પ્રવૃત્તિની ડેટાશીટ – માહિતીપત્રક અપલોડ કરવામાં આવ્યું છે. ઊર્જા રક્ષકોએ તે  ડાઉનલોડ કરી તેમાં યોગ્ય માહિતી ભરીને અપલોડ કરવું.
  • અલબત્ત, બર્ડ કાર્યક્રમ સાત વર્ષથી ચાલે છે પણ તેના અમલની કાર્યપદ્ધતિમાં આ વર્ષે ICT મોડયુલ દાખલ કરીને જે ફેરફાર કરવામાં આવ્યો છે તેનું આ પ્રથમ વર્ષ જ છે. તેથી         પરંપરાગત પદ્ધતિ પણ સમાંતર ચાલુ રખાઈ છે. શાળાની નોંધણીના મોટાભાગના વેબપેજ તૈયાર છે. તેથી તેના દેખરેખ – નિયમન અને ખરાઈ – ચકાસણીની પારંપરિક પદ્ધતિ નહીં    અપનાવાય.

હરિત - ઊર્જિત શાળા કાર્યક્રમની પ્રવૃત્તિઓ

ઊર્જારક્ષકે નીચે જણાવેલ પંચવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવાની રહેશે.

જળ, આ પ્રવૃત્તિથી બાળકની પાણી, પાણીના સ્રોતો, પાણી કેવી રીતે બચાવી શકાય તે વિશેની સમજ વધશે. તેને વરસાદી પાણીનો સંચય, પાણીનો પુનરૂપયોગ, પાણી ઉપર ચઢાવવા ઊર્જાકાર્યદક્ષ મોટરનો ઉપયોગ, ગંદા પાણીના નિકાલ માટે હાલમાં શી વ્‍યવસ્‍થા છે, તે વિશે જાણકારી મળશે. અને એ રીતે જળ ઊર્જાથી શિક્ષિત અને શાણા સમાજના નિર્માણનું આખરી ધ્‍યેય સિદ્ધ થશે.

પરિવહન, આ પ્રવૃત્તિથી બાળક પોતાની પરિવહન વ્‍યવસ્‍થા વિશે સભાન બનશે. બાળક કઇ રીતે શાળાએ જાય છે તે વિશે વિચારતો થશે. ઇંધણનો વપરાશ અને તેની હવાની ગુણવત્તા પર થતી અસર અને વાહન દ્વારા ફેલાવાતા પ્રદૂષણને ઘટાડવા માટેની રીતો શોધી કાઢવા તે પ્રેરાશે. અને એ રીતે સ્‍વચ્‍છ, પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહેવાના સહુ નાગરિકોના હકને જાળવી રાખી શકાશે.

જમીન અને પર્યાવરણ, આ પ્રવૃત્તિથી શાળાનો કુલ ક્ષેત્રફળ વિસ્‍તાર કેટલો છે, તેમાં કેટલા ભાગમાં હરિયાળી છે તેની નોંધ કરાશે. જીવવૈવિધ્‍ય મુકરર કરવા અને આ સંપદાના અનંત પારિસ્‍થિતિક અને આર્થિક મૂલ્‍યને સમજવાની બાળકને તક મળશે.

ઊર્જા- બાંધકામમાં ઊર્જા આ પ્રવૃત્તિથી શાળામાં વપરાતા વિવિધ ઊર્જાસ્રોતો, તેના વપરાશનો ઢાંચો વગેરેનો બાળક અભ્‍યાસ કરશે. ખર્ચ અને પ્રદૂષણ, બન્‍ને ઘટાડી શકાય તે રીતે આ સંપદાનો ન્‍યૂનતમ ઉપયોગ કેવીરીતે કરી શકાય તે માટેની પદ્ધતિઓ તે શોધશે. વીજળી, જે આજે ઊર્જાનો પર્યાય બની ગઇ છે, તેનું ઓડિટ હાથ ધરશે. વધુમાં ઇમારતના બાંધકામમાં વપરાયેલ સામગ્રી તથા ઇમારતની ડિઝાઇન બાંધણીના કારણે તેમાં વપરાતી ઊર્જાનો અભ્‍યાસ હાથ ધરાશે.

કચરો, આ પ્રવૃત્તિથી શાળામાં કુલ કેટલો અને કેવો કચરો નીકળે છે તેની વિગતો એક્ઠી કરશે. તેને અલગ-અલગ કરી, તેના પુનરુપયોગ માટેની રીતો અને ટેકનિકો શોધી કઢાશે.

પારસ્‍પરિક બેઠક ઊર્જાગોષ્ઠીના ભાગરૂપે ઊર્જાબચાવો, વિશ્વ બચાવો, શાળાને હરિત-ઊર્જિત બનાવોના વિષયવસ્‍તુને સમજાવતા શેરીનાટક યોજાયા. રાજ્યના લગભગ તમામ જિલ્‍લા આવરી લેવાય તે રીતે બર્ડ હેઠળ નોંધાયેલ શાળાઓ માટે ૪-૬ શાળાઓના જૂથ દીઠ એક લેખે ૩૭પ જેટલા શેરીનાટકના શો થયા.

બાળકોની પંચવિધ પ્રવૃત્તિના પગલે તેમણે જે ડેટાશીટ-માહિતીપત્રક ભર્યું હશે તે માહિતીના આધારે હાલની શાળાને ઊર્જા સંગીન બનાવવા માટે તેમજ નવી શાળાના બાંધકામ માટે માર્ગદર્શન મળી રહેશે.